હરિયાણાની જાણીતી યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા સામે ગંભીર આરોપો લાગ્યા છે. હિસાર પોલીસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર જ્યોતિની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હવે રાજકીય તેમજ સુરક્ષા સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
હિસાર પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 15 મેના રોજ ડીએસપી જીતેન્દ્ર કુમારની આગેવાની હેઠળની ટીમે જ્યોતિ મલ્હોત્રાને તેના ઘરેથી ઝડપીને કસ્ટડીમાં લીધી હતી. ત્યારબાદ શનિવારે તેને હિસારની કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાં પોલીસે 5 દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.
જ્યોતિ સામે આરોપ છે કે તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સાથે સંપર્કમાં હતી અને સોશિયલ મીડિયા દ્વારા ભારતની ગુપ્ત માહિતી મોકલતી હતી. આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો)ની ટીમ પણ હાલમાં જ્યોતિની ઊંડી પૂછપરછ કરી રહી છે.
હિસાર પોલીસે જણાવ્યું હતું કે, જ્યોતિ અત્યાર સુધીમાં ત્રણ વખત પાકિસ્તાન જઈ ચૂકી છે. ખાસ કરીને જ્યારે તે ક્રિકેટ મેચ જોવા માટે પાકિસ્તાન ગઈ હતી ત્યારે તેના પર શંકાની સોય વધુ ગહેરી બની હતી. મહત્વની બાબત એ છે કે દરેક મુસાફરીનો ખર્ચ પાકિસ્તાનના એક મિત્ર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જે પણ તપાસના કેન્દ્રમાં છે.
જ્યોતિએ યૂટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કુલ મળીને 3 લાખથી વધુ ફોલોઅર્સ બનાવી લીધા હતા, જેના માધ્યમથી તે પોતાના વિડિઓઝ અને માહિતી શેર કરતી હતી. પરંતુ હવે આ પ્લેટફોર્મ્સ જ તેની વિરુદ્ધ પુરાવા તરીકે ઉભા થઈ શકે છે.
હિસારના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં જ્યોતિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ હવે રાજકીય અને આંતરિક સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડી સ્તરે આગળ ધપાવવામાં આવી રહી છે.