ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ચલતો યુદ્ધવિરામ આજે 18 મેના રોજ પૂરો થવાનું છે. 14 મેના રોજ બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે હોટલાઇન દ્વારા થયેલી ચર્ચામાં યુદ્ધવિરામને 18 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 19 મેના રોજ ફરી એકવાર DGMO સ્તરે વાતચીત યોજાઈ શકે છે. જો આ ચર્ચા થાય તો ત્યારબાદ જ સ્પષ્ટતા થશે કે યુદ્ધવિરામ આગળ પણ ચાલુ રહેશે કે નહીં.
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે તાજેતરમાં પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ જળવાઈ રહે તે માટે બંને દેશોએ યુદ્ધવિરામના સમયગાળાને તબક્કાવાર લંબાવવાનો નિર્ણય કર્યો છે.
10 મેના રોજ પ્રથમવાર DGMO વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ હતી, જેમાં યુદ્ધવિરામ 12 મે સુધી લંબાવાયો હતો. ત્યારપછી 12 મેના રોજ બીજી વખત વાતચીત કરી યુદ્ધવિરામ 14 મે સુધી લંબાવાયો. છેલ્લે 14 મેના રોજ થયેલી ચર્ચામાં તેને 18 મે સુધી લંબાવવાની સંમતિ મળેલી.
હવે સૌની નજર આગામી વાતચીત પર ટકી છે, જેમાં નિર્ધારિત થશે કે શું શાંતિ યથાવત રહેશે કે નથી. હાલ માટે બંને દેશોના મૈત્રીપૂર્ણ સંવાદ જ તણાવમુક્ત વાતાવરણ માટે મહત્વપૂર્ણ બની રહેશે.