ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન સાથે ટૂંક સમયમાં યુદ્ધ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે દેશને ચેતવણી આપતાં કહ્યું કે “આગામી યુદ્ધ ટૂંક સમયમાં થઈ શકે છે, અને આપણે તે મુજબ તૈયારી રાખવી પડશે. આ વખતે આપણે સાથે મળીને આ યુદ્ધ લડવું પડશે.”
જનરલ દ્વિવેદી IIT મદ્રાસ ખાતે ‘અગ્નિશોધ’ – ભારતીય સૈન્ય સંશોધન સેલ (IARC) ના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂર વિશે પણ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સરકારે સશસ્ત્ર દળોને સંપૂર્ણ ફ્રી હેન્ડ આપ્યો હતો. “ઓપરેશનમાં અમે ચેસ રમી રહ્યા હતા. અમને ખબર નહોતી કે દુશ્મનની આગામી ચાલ શું હશે અને અમે શું કરવાના છીએ. તેવી જ રીતે પાકિસ્તાનને પણ આપણી ચાલ ખબર નહોતી,” એમ તેમણે જણાવ્યું.
જનરલ દ્વિવેદીએ આ પરિસ્થિતિને ‘ગ્રે ઝોન’ તરીકે વર્ણવી હતી. તેમણે સમજાવ્યું કે ગ્રે ઝોનનો અર્થ એ છે કે આ પરંપરાગત સૈન્ય કાર્યવાહી નહીં પરંતુ એવી રણનીતિ છે જ્યાં પગલાં અણધાર્યા અને દુશ્મન માટે અજાણી હોય છે.
સેનાના વડાની આ ચેતવણી એ સમયે આવી છે જ્યારે ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ વધ્યો છે અને સરહદે પરિસ્થિતિ ચિંતાજનક બની છે.