પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન ભારતને નિશાન બનાવતા ચોંકાવનારી પરમાણુ ધમકી આપી છે. ટેમ્પામાં પાકિસ્તાનના માનદ કોન્સ્યુલ અદનાન અસદ માટે આયોજિત બ્લેક-ટાઈ ડિનરમાં તેમણે જણાવ્યું કે જો પાકિસ્તાનને અસ્તિત્વનો ખતરો થશે તો તે “અડધી દુનિયાને પોતાની સાથે લઈ ડૂબશે.”
સિંધુ જળ સંધિ વિવાદ પર કડક ચેતવણી
મુનીરે પોતાના ભાષણમાં સિંધુ જળ સંધિ મુદ્દો ઉઠાવ્યો અને ભારતના આ સંધિને સ્થગિત કરવાના નિર્ણયને ગંભીર ગણાવ્યો. તેમણે દાવો કર્યો કે આ પગલાંથી 25 કરોડ પાકિસ્તાની ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાન ભારત દ્વારા બંધ બનાવવાની રાહ જોઈ રહ્યું છે, અને તે બનશે ત્યારે તેઓ તેને 10 મિસાઇલોથી નાશ કરી દેશે, એમ મુનીરે કહ્યું.
ખાનગી કાર્યક્રમમાં કડક સુરક્ષા
આ બ્લેક-ટાઈ ડિનરમાં ઉપસ્થિત મહેમાનોને મોબાઇલ ફોન અથવા કોઈપણ ડિજિટલ ઉપકરણ લઈ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. મુનીરના ભાષણનો કોઈ સત્તાવાર ટેક્સ્ટ જાહેર કરાયો નથી, પરંતુ ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે તેમણે વારંવાર ભારત સાથેના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો.
ભારત પર સીધી ચેતવણી
મુનીરે કહ્યું કે તેઓ ભારતના પૂર્વ ભાગથી હુમલો શરૂ કરશે, જ્યાં તેમના સૌથી મૂલ્યવાન સંસાધનો સ્થિત છે, અને પછી પશ્ચિમ તરફ આગળ વધશે. તેમણે અમેરિકાની સાથે ભારતના તાજેતરના રાજદ્વારી તણાવનો પણ ઉલ્લેખ કર્યો.
મુનીરે મજાકમાં કહ્યું કે પાકિસ્તાને હરીફ દેશોને કેવી રીતે સંતુલિત કરવું તેની ‘માસ્ટરક્લાસ’ આપવી જોઈએ. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન કંજૂસ નથી અને ઉદાહરણ રૂપે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કર્યાની વાત કરી.