અમેરિકી સમર્થન સાથે ભારત વિરુદ્ધ આક્રામક વલણ અપનાવી રહેલા પાકિસ્તાનના સૈન્ય વડા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એક વાર સ્ફોટક નિવેદન આપીને તંગદિલી ફેલાવી છે. તેમણે ભવિષ્યમાં ગમે ત્યારે ભારત સાથે સૈન્ય સંઘર્ષ થાય તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર સ્થિત રીફાઈનરીને પ્રથમ ટારગેટ બનાવવાનો ઈશારો કર્યો છે. આ રીફાઈનરી વિશ્વની સૌથી મોટી સિંગલ સાઈટ રીફાઈનીંગ કોમ્પ્લેક્સ ધરાવે છે અને ભારતની આર્થિક શક્તિનું પ્રતિક ગણાય છે.
મુનીરે અમેરિકાની મુલાકાત દરમિયાન ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ફોટા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટનો હવાલો આપતા જણાવ્યું કે “આગલી વખત શું કરીશું તે બતાવશું.” આ નિવેદન બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ધમકીને અત્યંત ગંભીરતાથી લઈને જામનગર રીફાઈનરી સહિત પાક સરહદની નજીક આવેલી તમામ સંવેદનશીલ આર્થિક પ્રતિષ્ઠાનોની સુરક્ષાની સમીક્ષા શરૂ કરી દીધી છે.
મુનીર, જે પાકિસ્તાનમાં જેહાદી વલણ ધરાવતા નેતા તરીકે જાણીતા છે, તેઓએ પોતાના નિવેદનમાં કુરાનની સૂરાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનની શક્તિ અને ઈરાદાની વાત કરી હતી. જાણકારોનું કહેવું છે કે જામનગરની રીફાઈનરી માત્ર ઔદ્યોગિક સ્થાન જ નહીં પરંતુ ભારતની ઊર્જા સુરક્ષાનું પણ મહત્વપૂર્ણ કેન્દ્ર છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવભર્યા સંબંધોને ધ્યાનમાં લેતા સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ સરહદી વિસ્તારોમાં આવેલા મહત્વપૂર્ણ ઉદ્યોગોની સુરક્ષા વધારવા માટે સતત પગલાં લઈ રહી છે. મુનીરના તાજા નિવેદન પછી આ સાવચેતીના પગલાં વધુ કડક બનવાની શક્યતા છે.