જામનગર શહેરમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સામે સાયબર ક્રાઈમ પોલીસએ કડક પગલું ભર્યું છે. સોશિયલ મીડિયા પર દેશવિરોધી વીડિયો પોસ્ટ કરનાર એક યુવકને પકડવામાં આવ્યો છે.

આરોપી નાજીમભાઈ ઉર્ફે લાજીમ ગજિયા (ઉંમર 22 વર્ષ), સચાણા ગામનો રહેવાસી છે. 13 મે 2025ના રોજ સાંજે 7:25 વાગ્યે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વિવાદાસ્પદ વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયોમાં તેણે ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા પોસ્ટરને જમીન પર મૂકી તેના પર ચપ્પલ વડે પ્રહાર કર્યો હતો.
આ ઘટના પહેલાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 નિર્દોષ નાગરિકોના આતંકવાદી હુમલામાં મૃત્યુ થયા હતા. તેના પ્રતિસાદરૂપે 7 મે 2025ના રોજ ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 9 આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્યારે આવા સંવેદનશીલ સમયે આવા રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટના પ્રસારને ગંભીરતાથી લેવામાં આવ્યો છે.
સાયબર ક્રાઈમ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ કલમ 197(1)(D) અનુસાર ગુનો નોંધ્યો છે. PSI એચ.કે. ઝાલા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરી, તેની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારનું રાષ્ટ્રવિરોધી, ભડકાઉ અથવા અફવા ફેલાવતું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર શેર ન કરે. જો કોઈ શંકાસ્પદ પોસ્ટ જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર જાણ કરવા જણાવાયું છે.