દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા-પોરબંદર નેશનલ હાઈવે પર ગુરુવારના રોજ સવારે એક દુઃખદ ઘટના બની હતી. ટેન્કરે બાઈકને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ભાણખોખરી ગામના એક આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી વિગત મુજબ, ગુરુવારના રોજ સવારે લગભગ 9:30 વાગ્યે એક ટેન્કર પૂરઝડપે હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન બાઇક પર પસાર થઈ રહેલા ભાણખોખરી ગામના રહેવાસી ધીરજ મેસવાણીયા ટેન્કરની અડફેટે આવી ગયા હતા. ભારે ઝડપે આવી રહેલા ટેન્કરનો નિયોંત્રણ ગુમાતા બાઇક ટેન્કર હેઠળ આવી ગઈ હતી અને ધીરજભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળ પર જ દયનિય મોત નીપજ્યું હતું.
અકસ્માતના પગલે નજીકના વિસ્તારોના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અકસ્માતના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે, જેને આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.