રાજકોટ એરપોર્ટ પોલીસને શંકાસ્પદ રીતે પાર્ક કરેલી એક કારમાંથી વિદેશી દારૂ મળી આવતાં કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
વિગત મુજબ, તા. 5 ના રોજ એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ. ઈલાબેન સાવલિયાની રાહબરીમાં પીએસઆઈ શક્તિસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ વિપુલ ટમાળિયા, ગોપાલસિંહ ઝાલા તથા સોહિલ ચૌહાણ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તેઓ બામણબોર તરફના જૂના રસ્તે ગસ્ત પર હતા ત્યારે એક વેન્ટો કાર શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. કારનો આગળનો તથા ડ્રાઇવર સાઈડનો કાચ તૂટી ગયો હતો.
આ દૃશ્ય જોઈ પોલીસ સ્ટાફ તરત દોડી ગયો હતો અને તપાસ કરતાં ડ્રાઇવરની સીટ પર બેઠેલા યુવકને અટકાવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ પૃથ્વીરાજ વીરાભા માણેક (ઉ.વ. 29), રહેવાસી સુરજકરાડી, મીઠાપુર (જિલ્લો દ્વારકા) જણાવ્યું હતું.
પૃથ્વીરાજે કારની ડેકીમાં વિદેશી દારૂ હોવાનું કબૂલ કરતાં પોલીસે તપાસ કરતાં ત્યાંથી વિદેશી દારૂની 48 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 1.73 લાખ જેટલી થતી હતી. પોલીસે દારૂ અને કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પૃથ્વીરાજ નાની મોલડી પાસે કોઈ અડ્ડેથી વિદેશી દારૂ લઈ દ્વારકા તરફ જઇ રહ્યો હતો. દરમ્યાન હાઈવે પર આગળ જતા ટ્રકમાંથી એક લાકડું નીચે પડતાં તેની કારના કાચ તૂટી ગયા હતા. આપત્તિવશ કાર સાઈડમાં પાર્ક કરતા જ પોલીસ પહોંચી હતી અને સમગ્ર કૌભાંડ ઝડપાઇ ગયું હતું.
આ કિસ્સામાં વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.