દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરીના કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. ખંભાળિયાની એડિશનલ સેશન અને સ્પેશિયલ કોર્ટે અનધિકૃત રીતે લાઈમ સ્ટોનની ચોરી કરવા બદલ ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને દરેકને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ. 10,000ના દંડની સજા ફટકારી છે.
આ બનાવ 25 સપ્ટેમ્બર 2019ના રોજનો છે, જયારે ભાણવડના મામલતદારની ટીમે ભરતપુર-ભેનકવડ સ્ટેટ હાઈવે પર ચેકિંગ દરમ્યાન આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ હતી. આરોપી પૂંજા રાજા કારાવદરા (રહે. ભરતપુર) એ પોતાની ખેતીની જમીનમાં 78 મેટ્રિક ટન બેલા પથ્થર (લાઈમ સ્ટોન) અનધિકૃત રીતે સંગ્રહ કર્યો હતો, જેની બજાર કિંમત રૂ. 39,312 હતી.
તે સિવાય, અન્ય બે આરોપી નુરમામદ હાજી હિંગોરા અને હુસેન ઉર્ફે પકોડી ઇબ્રાહીમ હિંગોરા (બન્ને રહે. ઢેબર) એ ટ્રક નંબર GJ-10-U-3510માં રૂ. 1,01,040 કિંમતનો અંદાજે 10 મેટ્રિક ટન લાઈમ સ્ટોન વહન કરતા ઝડપાયા હતા.

રોયલ્ટી ઇન્સ્પેક્ટર બી.જે. ડોડીયાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કુલ 11 સાક્ષીઓની જુબાની, રોયલ્ટી વિભાગના ઇન્સ્પેક્ટરની વિગતવાર રજૂઆત અને અન્ય મજબૂત પુરાવાઓને ધ્યાને લેતા નિર્ણય કર્યો હતો.
જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડાની જંગી દલીલોના આધારે મેજિસ્ટ્રેટ એસ.જી. મનસુરીએ ત્રણેય આરોપીઓને ગુનો કરનાર ઠેરવ્યા અને દંડ સાથે કેદની સજા ફટકારી.