જામનગર-રાજરોટ હાઇવે પરથી એક 15 સેકન્ડનો હ્રદય દ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેમાં 20 જેટલા યુવકો બાઇક પર સૂતાં-સૂતાં જોખમી સ્ટંટ કરતાં દેખાય છે. આ રીલ બનાવવાના ઘાટ વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. 18 વર્ષીય અંકિત દિલીપભાઈ મકવાણા નામનો યુવક રેસ દરમિયાન સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલ તે જામનગરની જી.જી. હોસ્પિટલના ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, ગત શનિવાર રાત્રે નવાગામ ઘેડ વિસ્તારના 20 જેટલા યુવકો લૈયારા નજીક ઉર્ષના મેળામાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેઓએ બાઇક રેસ શરૂ કરી. રેસ દરમિયાન ખીજડિયા નજીક આ યુવકો બાઇક પર સૂતાં-સૂતાં પૂરઝડપે રાઇડ કરતા હતા અને કોઈ વીડિયો પણ બનાવી રહ્યો હતો.
જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા પાસે બાઈકમાં સ્ટંટ બાજી કરતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો
View this post on Instagram
આ દરમિયાન અંકિતનું બાઇક સામેથી આવતી ટ્રકની સાઇડ સાથે અથડાયું. અથડામણ એટલી જોરદાર હતી કે અગ્નિસ્ફુલિંગો દેખાઈ આવ્યા. ઘટનાની જાણ થતાં જ સાથી મિત્રોએ તરત 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી.
પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, અંકિતને લોહીલુહાણ હાલતમાં તરત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાલ તેની આઈસિયુમાં સારવાર ચાલી રહી છે.
આ ઘટનાનો 15 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવકો જાહેર હાઇવે પર રીલ બનાવવાના ચસ્કામાં પોતાની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે તે સ્પષ્ટ જોવા મળે છે.
જામનગર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને સ્ટંટ કરનાર અન્ય યુવકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવાની સંભાવના છે.
આ ઘટના ફરીથી એવી ચેતવણી રૂપ બની છે કે સોશિયલ મીડિયા માટે બનાવવામાં આવતી ખતરનાક રીલ્સ કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે.