દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા-જામનગર હાઈવે પર આવેલ કજૂરડા ગામ નજીક આવેલી એસ્સાર પાવર ગુજરાત લિમિટેડ કંપનીમાં તસ્કરોએ ઘૂસીને મોટાપાયે ચોરીની ઘટના અંજામ આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ અજાણ્યા તસ્કરોએ કંપનીમાંથી જુદી જુદી માપના અંદાજે 200 મીટર ઈલેક્ટ્રિક કેબલ અને એક વેલ્ડીંગ મશીન ચોરી કરી ગયા છે.
આ સમગ્ર ચોરીમાં કુલ રૂ. 3,48,300ના મત્તાની ચોરી થઈ હોવાની માહિતી સામે આવી છે. આ અંગે લાલપુર તાલુકાના દલતુંગી ગામના નિવાસી અને કંપનીમાં કાર્યરત કર્મચારી મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ. 39) દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી માહિતી અનુસાર, ઘટના અંગે પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા ગુનો નોંધીને તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોરીને અંજામ આપનાર તસ્કરો વિશે માહિતી મેળવવા તેમજ તેમના શઢ્યંત્રને ઉકેલવા પોલીસે જુદી જુદી દિશામાં તપાસ આગળ ધપાવી છે.
કંપનીમાં થયેલી ચોરીને કારણે કાર્યવ્યવસ્થા પર પણ અસર થઈ હોવાની શકયતા છે. પોલીસ તસ્કરો સુધી પહોંચવા માટે નજીકના સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક સંકેતોથી માહિતી એકઠી કરી રહી છે.