જામનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસ દ્વારા સતત દરોડાઓ ચલાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાંચ) ટીમે ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલી એક ખાનગી વાડીમાં દારૂના કટીંગનો પર્દાફાશ કરતા 1.28 કરોડના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જયારે દારૂનો જથ્થો લાવનારા, લેનારા, વાહનચાલકો અને વાડીના માલિક સહિત કુલ 12 શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ દરોડાથી જામનગર જીલ્લામાં ચકચાર મચી ગઈ છે.

જામનગર: ધ્રોલ પંથકમાંથી 1.28 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, LCBના સપાટાથી ચકચાર
રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ લગારિયાની આગેવાનીમાં પીએસઆઈ મોરી, પીએસઆઈ કાંટેલીયા તથા એલસીબીના સ્ટાફ દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળતાં તરત દરોડાની યોજના ઘડી હતી. ખાસ ટિમમાં દિલીપભાઈ તલાવડિયા, કાસમભાઈ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર અને રૂષીરાજસિંહ વાળા સહિતના જાંબાજ પોલીસકર્મીઓ સામેલ રહ્યા હતા.
દરોડામાં મળેલો દારૂનો જથ્થો
પોલીસે ધરમપુર સીમની એક વાડી, જે અજય ધીરૂભાઇ રાઠોડના નામે છે, ત્યાં દરોડો પાડી ગુલાબનગર દયાનંદ સોસાયટીના ચેતન હરજી પરમાર અને ધુંવાવનાકા કોળી વાસના સંજય કારા નામના શખ્સોને રંગેહાથ પકડી પાડ્યા હતા. સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૪૬૬૮ બોટલ વિદેશી દારૂ (કી.રૂ. ૬૨.૬૮.૮૦૦), ૨૭૬૦ ટીન બીયર (કી.રૂ. ૬.૦૭.૨૦૦), ૭ વાહનો (કી.રૂ. ૬૦.૦૦.૦૦૦), અને ૩ મોબાઈલ ફોન (કી.રૂ. ૧૫,૦૦૦) મળી કુલ રૂ. ૧,૨૮,૯૧,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
ફરાર આરોપીઓની વિગતો
આ મામલે પોલીસે જે 12 શખ્સોને ફરાર જાહેર કર્યા છે તેમાં વાડી માલિક અજય રાઠોડ, દારૂનો જથ્થો મંગાવનાર આકાશ કોળી (ભોઇવાડા, કોળી વાસ, જામનગર), મોસીન મુસ્લીમ (જામનગર), મહમદ ઇકબાલ ઉર્ફે ટકી (જામનગર), જથ્થો લેનાર પુષ્પા (ભોઇવાડા), શની કોળી (લાલવાડી), બંટી મુસ્લીમ-કરીમ (જામનગર), લાખા કોળી (જામનગર) તથા વિવિધ વાહનચાલકો જેમ કે વોક્સવેગન વેન્ટો (GJ6EH-8205), ટીસી ટ્રક (NL01K-9005), બોલેરો પિકઅપ (GJ10TV-2010), બોલેરો મેકસ (GJ10TVY-1314), અશોક લેલન દોસ્ત (GJ10TVY-2954) ના ડ્રાઇવરનો સમાવેશ થાય છે.
FIR અને કાયદેસરની કાર્યવાહી
આ સમગ્ર કાર્યવાહી અંગે પો.હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ જાડેજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ સામે ગુજરાત દારૂબંધી અધિનિયમ તથા અન્ય સંબંધિત જમાનો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની સતત કાર્યવાહી
જામનગર જિલ્લામાં દારૂબંધી, જુગાર અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસનો દબદબો કાયમ રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાની સ્પષ્ટ હદાયત છે કે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃતિ ન સહન કરવામાં આવે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય. એલસીબી દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને ગુપ્ત તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કેસે એ સાબિત કરી દીધું છે કે જામનગર જિલ્લામાં દારૂબંધીનો ભંગ કરવા માગતા તત્વો હજુ પણ સક્રિય છે પરંતુ પોલીસની સુચિત અને ઝડપી કાર્યવાહીથી આવા નેટવર્કો તૂટી રહ્યા છે. એલસીબીની આ સફળતા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા શખ્સો માટે ચેતવણીરૂપ બની રહેશે. હવે પૂછપરછ અને તકેદારી સાથે સમગ્ર શૃંખલા સામે વધુ કાર્યવાહી કરવાની તજવીજ ચાલી રહી છે.