દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શનાર્થે આવેલા જામનગરના પરીવાર સાથે ચોંકાવનારો બનાવ બન્યો છે. મળતી વિગતો અનુસાર, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હિરાભાઈ નકુમ પોતાના પરિવાર સાથે પંદરમી ઓગસ્ટના રોજ સાતમના અવસરે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. દર્શન દરમિયાન ભીડનો લાભ લઈ અજાણ્યા શખસે તેમની પત્ની જેઠીબેનના ગળામાં પહેરેલ આશરે 70 હજારની કિંમતનું સાડા ત્રણ તોલાનું સોનાનું મંગલસૂત્ર ચોરી કરી લીધું હોવાનું સામે આવ્યું છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે જામનગરની મહિલાનું 70 હજારનું સોનાનું મંગલસૂત્ર ચોરી
પરિવાર દ્વારા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં મંગલસૂત્ર શોધવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ મંગલસૂત્ર ન મળતાં ચોરીની આશંકા વધુ મજબૂત બની. આ ઘટનાની જાણ થતાં મીઠાપુર પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમી પર્વને લઈને દેવભૂમિના યાત્રાધામોમાં ભારે ભીડ ઉમટી પડે છે. ભીડની આડમાં આવા ઉઠાવગિરાઓ સક્રિય થઈ જતાં હોય છે અને તફડંચીના બનાવો સામે આવતા રહે છે. હાલ પોલીસે સોનાનું મંગલસૂત્ર ચોરનાર શખસને પકડી પાડવા માટે તવાયફ શરૂ કરી છે.