ગુજરાતમાં 7 મહિના બાદ ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામશે. રાજ્યમાં 5410 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં, 15 થી 20 ડિસેમ્બર વચ્ચે યોજાશે. આ ચૂંટણીમાં 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 72 નગરપાલિકા અને 5319 ગ્રામપંચાયતની બેઠકો માટે મતદાન થશે. સાથે જ મહાનગર પાલિકા સહિત ખાલી પડેલી આશરે 84 બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાશે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ત્રીજા ભાગની ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું હતું, કારણ કે અનામત બેઠકો અંગેની પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે ચૂંટણીઓ યોજાઈ શકી નહોતી. જોકે, હવે ચૂંટણી પંચ દ્વારા અનામત અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે, અને ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ માટેની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.
હાલ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરે પૂર્ણ થશે, ત્યારબાદ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે. મતદાન 15 થી 20 ડિસેમ્બર વચ્ચે યોજાશે, અને 2025ની શરૂઆતમાં નવનિર્વાચિત પ્રતિનિધિઓ શાસન સંભાળશે.
ભાજપ માટે, આ ચૂંટણી મહત્ત્વની છે, કારણ કે લોકસભા ચૂંટણીમાં એક બેઠક ગુમાવવી પડી હતી, અને આ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યકાળ પણ પૂર્ણ થયો છે. હજી સુધી નવો પ્રમુખ ન નક્કી થતાં પાટીલને આગામી ચૂંટણી સુધી પ્રમુખ તરીકે કાર્યરત રાખવાની શક્યતા છે.
લોકસભા ચૂંટણી બાદ ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે, જે પૂરુ થયા બાદ પ્રમુખ પદ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસ પણ દિવાળી બાદ ગામડાંઓમાં પ્રચારને ગતિ આપશે.