ભાણવડ તાલુકામાં દારૂના ગેરકાયદેસર ધંધાની માહિતીના આધારે પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ભાણવડના મોડપર ગામ પાસેથી પસાર થતી એક હ્યુન્ડાઈ વેરના કારમાં વિદેશી દારૂ ભરેલું હોવાની બાતમી મળી હતી, જેને આધારે સર્વેલન્સ સ્ટાફના કેશુરભાઈ ભાટિયા, વિપુલભાઈ મોરી અને વેજાનંદભાઈ બેરા દ્વારા ભાણવડ સેવાસદન સામે કારને રોકી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વિદેશી દારૂની 16 બોટલ મળી આવી હતી. કારમાં હાજર જીગ્નેશ સુરેશભાઈ રાજાણી અને વિજયસિંહ હેમંતસિંહ જાડેજા નામના બે શખ્સોને પોલીસે સ્થળ પરથી ઝડપીને કબજા લીધા હતા.
આ મુદ્દે વધુ તપાસ કરતાં ખુલ્યું હતું કે આ દારૂનો જથ્થો પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ફાટલનેસ વિસ્તારમાં રહેતા બધા કરમણ રબારી નામના શખ્સે સપ્લાય કર્યો હતો. હાલ બાદા કરમણ રબારી ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
ભાણવડ પોલીસે આ સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ જણાવ્યુ કે, દારૂની સપ્લાઈ અને તેના નેટવર્કની છાનબિન ચાલુ છે અને અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપવા માટે પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે.