દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના ઝીલારી સીમ વિસ્તારમાં ગત સોમવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ગામના રહેવાસી શામજીભાઈ નાથાભાઈ નકુમ (ઉમર 55 વર્ષ) ટ્રેક્ટર પર સવાર થઈ પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાદવ-કીચડ ભરેલા રસ્તા પરથી પસાર થતી વખતે ટ્રેક્ટર અચાનક સ્લીપ થઈને બાજુની ખેત તલાવડીમાં ખાબકી ગયું હતું.
કલ્યાણપુરના નંદાણા ગામે કાદવવાળા રસ્તે ટ્રેક્ટર સ્લીપ થઈ ખેત તલાવડીમાં ખાબકતાં પ્રૌઢનું પાણીમાં ડૂબી જવાથી મોત
આ અકસ્માતમાં શામજીભાઈ પાણીમાં ફસાઈ ગયા અને ડૂબી જતાં તેમનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું. અકસ્માતની જાણ થતા મૃતકના પુત્ર વિજયભાઈ શામજીભાઈ નકુમ દ્વારા તાત્કાલિક કલ્યાણપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા હતા.
પોલીસે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતના કારણે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે. અનેક ગ્રામજનો શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. ગામના લોકોએ રસ્તાની દયનિય સ્થિતિ સામે રોષ વ્યક્ત કરતા તંત્ર પાસે જરૂરી તાત્કાલિક કામગીરી કરવાની માંગણી પણ વ્યક્ત કરી છે.
આ ઘટના ફરીથી ગ્રામ્ય વિસ્તારોમાં રોડ વ્યવસ્થાની નબળી સ્થિતિ પર સવાલ ઉભા કરે છે.