દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયુર્વેદિક સીરપ અને હેન્ડરબ (સેનીટાઇઝર)ની આડમાં નશાયુકત પીણાનો ગેરકાયદેસર કારોબાર ચલાવતા ત્રણ વ્હાઇટકોલર બુટલેગરો વિરુદ્ધ એલસીબીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પાસા એક્ટ હેઠળ ત્રણેય આરોપીઓની વોરન્ટ બજાવી તેમને અલગ-અલગ જેલોમાં રવાના કરવામાં આવ્યા.
ગુનાહીત ઇતિહાસના આધારે પાસાની કાર્યવાહી
નશાના ફેલાવાને અટકાવવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આરોપીઓના ગુનાહીત ઇતિહાસની સંપૂર્ણ માહિતી એકત્ર કરી અસરકારક રીતે પાસાની દરખાસ્ત તૈયાર કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્નાને મોકલવામાં આવી હતી. કલેક્ટરે ત્વરીત નિર્ણય લઇ અટકાયત વોરંટો ઇશ્યુ કર્યા.
ટીમની કામગીરી અને વોરન્ટ બજવણી
એલસીબી પીઆઈ કે.કે. ગોહિલની આગેવાની હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી અને તેમની ટીમે અલગ-અલગ સ્થળેથી આરોપીઓને રાઉન્ડઅપ કર્યા. લગધીરસિંહ ઉર્ફે લખધીરસિંહ કાળુભા જાડેજાને પાલનપુર જેલ, ચિરાગ લીલાધર થોભાણીને પાલારા ખાસ જેલ અને અકરમ નજીર બાનવાને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા.
કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા સંદેશ
રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાના ગેરકાયદેસર કારોબારને રોકવા અને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવા માટેનો દ્રઢ પ્રયાસ છે.