દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા અને નિવારવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું ખાસ કરીને સિમકાર્ડ વેચાણ અને તેના સંબંધિત પ્રક્રિયાઓ માટે ઘડાયું છે, જેમાં ગ્રાહકોની ઓળખ ચકાસણી અને વિગતોના સંરક્ષણ પર ભાર મુકાયો છે.
દેવભૂમિ દ્વારકામાં સિમકાર્ડ વેચાણ પર કડક નિયમો લાગૂ!
આ જાહેરનામા મુજબ, સિમકાર્ડ વિક્રેતાઓએ ગ્રાહક પાસેથી નામ, સરનામું, ફોટોગ્રાફ અને માન્ય ઓળખપત્રની નકલ ફરજિયાત રૂપે એકત્ર કરવી પડશે. દરેક સીમકાર્ડ વેચાણ માટે વિક્રેતાઓએ આ વિગતો સુવાચ્ય અક્ષરમા રજિસ્ટરમાં નોંધવી જરૂરી રહેશે. મોબાઇલ ઓપરેટર્સ અને સિમ વિક્રેતાઓએ ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા નક્કી કરેલી માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવું ફરજિયાત રહેશે.
સિમકાર્ડના એક્ટિવેશન પહેલાં ગ્રાહકના આધારકાર્ડ, ફોટોગ્રાફ અને ટેલિફોનિક વેરિફિકેશન તથા રહેઠાણની ચકાસણી ફરજિયાત રહેશે. આ વ્યવસ્થા દ્વારા ખોટી ઓળખથી સિમકાર્ડ એક્ટિવ કરનારાઓ સામે કાર્યવાહી શક્ય બનશે.
ટેલિફોન બુથ સંચાલકો માટે પણ નિયમો ઘડવામાં આવ્યા છે, જેમાં ફોન કરનાર વ્યક્તિનું નામ, સરનામું અને ફોન નંબર નોંધવું ફરજિયાત છે. આ તમામ વિગતો ઓછામાં ઓછા એક વર્ષ સુધી સુરક્ષિત રીતે સંગ્રહ કરવી જરૂરી રહેશે.
દેવભૂમિ દ્વારકામાં સિમકાર્ડ વેચાણ માટે કડક નિયમો
સિમકાર્ડ વિક્રેતાઓએ એક વિસ્તૃત રજિસ્ટર તૈયાર કરવાનું રહેશે જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવો જરૂરી રહેશે:
- સર્વિસ પ્રોવાઇડરનું નામ
- મોબાઇલ નંબર
- ગ્રાહકનું નામ અને સરનામું
- આધાર નંબર
- KYC પ્રકાર
- અન્ય ઓળખ સંબંધિત માહિતી
આ રજિસ્ટરને નજીકના પોલીસ સ્ટેશનમાં સ્ટેમ્પ કરાવવાની ફરજ રહેશે જેથી તે અધિકૃત ગણાય.
અધિકારીક જાહેરનામું 30 મે 2025થી અમલમાં આવશે અને તે 28 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે. નિયમોના ભંગ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે, તેમ તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આ નિર્ણયો જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા દ્રઢ પગથિયાં તરીકે લેવામાં આવ્યો છે.