દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ પુરવઠાની ગંભીર સમસ્યા સામે ખેડૂતો હવે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે. ખંભાળિયા તાલુકાના આશરે 10 જેટલા ગામોના ખેડૂતો છેલ્લા ઘણાં સમયથી અપૂર્ણ અને અસમયે મળતા વીજ પુરવઠાથી પરેશાન છે. ખાસ કરીને ખેડૂતોએ મગફળી અને અન્ય પાકોની સિંચાઈ માટે વીજળી મળતી ન હોવાને કારણે પાક નષ્ટ થવાની ભીતિ વ્યક્ત કરી છે.
વિજ પુરવઠાની ધાંધીયાને લઈને PGVCL કચેરીનો ખેડૂતોએ ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો
આ મુદ્દે ખેડૂતો દ્વારા આજે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા પણ જોડાયા હતા અને અધિકારીઓને વીજ પુરવઠા અંગે રજૂઆત કરી હતી. વિરોધ દરમિયાન ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે તાત્કાલિક સુધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
ખેડૂત નેતા પાલ આંબલિયાએ PGVCL અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, “આધિકારીઓ તેમની ફરજ પ્રત્યે બેદરકાર છે. ખેડૂત મુશ્કેલીમાં છે અને તેમને વીજળી વગર પાક બચાવવો મુશ્કેલ થઈ ગયો છે.”
જિલ્લા કિસાન પ્રમુખ દેવુ ગઢવીએ વધુમાં ઉમેર્યું કે, “કેટલાક PGVCL કર્મચારીઓને જુગાર રમવાનો તો સમય મળે છે પણ ખેડૂતોના પ્રશ્નો સાંભળવાનો સમય નથી. જો તાત્કાલિક સમસ્યા હલ નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરાશે.”
ખેડૂતોની માંગ છે કે PGVCL વતી નિયમિત અને પૂરતો વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવો જોઈએ જેથી પાકના નુકસાનને અટકાવી શકાય. આ વિરોધ સાથે ખેડૂતોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો આંદોલન આકાર લેશે.
વિજ પુરવઠાની સમસ્યા ખેડૂત માટે માત્ર એક ટેક્નિકલ ખામી નહીં પરંતુ જીવીકા સાથે જોડાયેલું ગંભીર મુદ્દો બની ગયું છે – અને હવે તેનો નિકાલ તાત્કાલિક જરૂરી બની ગયો છે.