દ્વારકા : શહેરના રૂપેણ બંદર વિસ્તારમાં એક એક્ટિવા વાહન પાર્ક કરવા મુદ્દે થયેલા સામાન્ય વાદવિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગેરકાયદેસર રીતે હથિયારોથી હુમલાનો બનાવ બન્યો છે. આ બનાવમાં ત્રણ યુવકોને ઇજાઓ પહોંચાડવામાં આવી છે તેમજ હત્યા કરવાની ધમકી આપવામાં આવતા વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે.
દ્વારકામાં વાહન હટાવવા બાબતે મહિલાઓ સહિત નવ શખ્સો દ્વારા હુમલો
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ડેપાભા ઉર્ફે રાજ મેરૂભા ભગાડ (ઉ.વ. 21, રહે. ગોવાળિયા ધામ સામે, દ્વારકા) પોતાના સાથી પ્રવીણભા મોડભા માણેક અને અન્ય બે મિત્રો સાથે રૂટીન મુજબ રુપેણ બંદર વિસ્તારમાં આવેલા એક ઠંડા પીણાની દુકાન પાસે ગયો હતો. અહીં રાજે પોતાની એક્ટિવા દુકાન પાસે પાર્ક કરી હતી. આ વખતે ત્યાં રહેતા ઓસમાણ ભેસલીયાએ દાવો કર્યો કે તેની રહેણાંક જગ્યાની સામે આ વાહન નડતું હોવાથી હટાવવા જણાવ્યું.
આ દરમિયાન ઉગ્ર બોલાચાલી શરૂ થતાં ઓસમાણ ભેસલીયા સાથે રહેલા ડાડુ ભેસલીયા, ઉમર ભેસલીયા અને અન્ય ત્રણ અજાણ્યા પુરુષો તથા બે મહિલાઓએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા જેવા હથિયારો વડે રાજ અને તેના સાથીઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણેયને ઇજાઓ પહોચી હતી. સાથે આરોપીઓએ “જાનથી મારી નાખીશ” કહી ધમકીઓ પણ આપી હતી.
આ ઘટનાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં રાયોટિંગ, ઘાતકી ઈરાદે હુમલો, મોતની ધમકી, અને હથિયારનો ઉપયોગ કરી હુમલો જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે તથા વધુ તપાસ PSIની ટીમે હાથ ધરી છે.