દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રહેતી એક નિર્દોષ યુવતી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 30 જુલાઈના રોજ ભાણવડ વિસ્તારની યુવતીનું અપહરણ થયું હતું. અનુસંધાનમાં બહાર આવ્યું છે કે, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનો રહેવાસી વિધર્મી શખ્સ સાહિલ ઈબ્રાહીમ સમાએ યુવતીને પ્રેમના જાળમાં ફસાવીને લલચાવેલી હતી. વધુમાં યુવતીના વ્યક્તિગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી તે સાથે સતત સંપર્કમાં રહ્યો હતો.
ભાણવડ પંથકમાં યુવતીના અપહરણ બાદ દુષ્કર્મ આચરનાર લાલપુરના વિધર્મી શખ્સની ધરપકડ
આરોપીએ યુવતીનું મોટરસાયકલ પર અપહરણ કરી ભગાડી ગયો હતો અને ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. ત્યાં યુવતીની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે ભાણવડ પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી વી.પી. માનસેતા અને પીએસઆઈ યુ.બી. અખેડની ટીમે ફરજ બજાવતા માત્ર થોડા સમયમાં આરોપીની ઓળખ કરી અને તેની ઝડપથી ધરપકડ કરી હતી. હાલ આરોપી સામે સઘન પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ સમગ્ર મામલે વધુ તપાસમાં લાગી ગઈ છે.