દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં ધર્મશાળાની કિંમતી જમીન પર ગેરકાયદે કબજાની ગંભીર ઘટના સામે આવી છે. લગભગ ત્રણ દાયકાથી ધર્મશાળાની જમીન પર કબજો જમાવી રાખવાના મામલે આરંભડા વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બેટ દેવસ્થાન સમિતિના વ્યવસ્થાપકની ફરિયાદ પરથી કાર્યવાહી
આ સમગ્ર ઘટનાની ફરિયાદ બેટ દેવસ્થાન સમિતિના ઇન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશચંદ્ર ચુનીલાલ બદિયાણી (ઉ.વ. 64) દ્વારા બેટ દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરંભડા ખાતે રહેતા ચંદ્રકાંત ગોપાલદાસ ભાયાણી અને તેમનો પુત્ર રામકૃષ્ણ ચંદ્રકાંતભાઈ ભાયાણી છેલ્લા ૩૧ વર્ષથી બેટ ગામના સીટી સર્વે નં. 1211ના સીટ નં. 21 માં આવેલી 365 ચોરસ મીટર અને સર્વે નં. 1210ના સીટ નં. 23 માં આવેલી 4.68 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો કરી રાખ્યો છે. આ બંને જમીનો ‘સિંધુ ભવન ધર્મશાળા’ના નામે ઓળખાય છે અને બેટ દેવસ્થાન સમિતિની માલિકીની છે.
બજાર કિંમત રૂ. 50 લાખ, પ્રવેશ પણ અટકાવતો આરોપ
આ બંને શખ્સોએ અંદાજે રૂ. 50 લાખની બજાર કિંમત ધરાવતી આ સંપત્તિ પર ગેરકાયદેસર રીતે કબજો કરી રાખ્યો હતો અને કોઈને ત્યાં પ્રવેશવા દેતા ન હતા. જેથી આ મામલે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમની લાગતી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રામકૃષ્ણ ભાયાણીની અટકાયત, તપાસ ડીવાયએસપી હાથ ધરશે
પ્રકરણમાં આરોપી રામકૃષ્ણ ચંદ્રકાંતભાઈ ભાયાણીની પોલીસે અટકાયત કરી છે. હાલ આ મામલે વધુ તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા કરવામાં આવી રહી છે. મૃતપ્રાયે ત્રણ દાયકાથી ચાલી રહેલા કબજાના વિવાદને હવે કાયદેસર માર્ગે ઉકેલવાની કામગીરી આરંભાઈ છે.