દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળીયાની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા નજીક ચોરીનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ખંભાળિયા તાલુકાના વિઝલપર ગામના રહીશ અને ખેડૂત મશરીભાઈ ફોગાભાઈ ડાંગર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પાક ધીરાણ હેઠળ મળેલ રૂપિયા ઉપાડવા ખંભાળિયા આવેલે દરબાર ગઢ પાસે આવેલી સેન્ટ્રલ બેંક ખાતે ગયા હતા.
ખેડૂત મશરીભાઈએ લોનના રૂ.1,00,000 ઉપાડી કાપડની થેલીમાં રાખ્યા હતા. બેંકમાંથી નીકળ્યા બાદ, કોઈ અજાણ્યા શખ્સે કાપડની થેલીમાં તીક્ષ્ણ હથિયાર વડે કાપો મારી અંદરથી રોકડ રકમ બહાર કાઢી ચોરી કરી લીધી હતી. આ ચોરી ખૂબ શાતિર ઢબે કરવામાં આવી હતી, જેથી મશરીભાઈને તરત આ અંગે જાણ પડી ન હતી.
આ સમગ્ર બનાવ સામે આવતા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પી.એસ.આઈ. નોયડા દ્વારા આગળની તપાસ ચાલી રહી છે અને આરોપીને પકડવા પોલીસ દળે તદ્દન સતર્કતા સાથે તફતીશ શરૂ કરી છે.