દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક ગંભીર ઘટના બની હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મૂળ રહેવાસી એવા 42 વર્ષના મુસ્લિમ માછીમાર સુમારભાઈ જુમાભાઈ લખપતીનું અપહરણ કરી બળજબરીથી માર મારી ખંડણીની માંગ કરવામાં આવી હતી. આ મામલે દ્વારકા પોલીસે કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ પ્રમાણે, સુમારભાઈ લખપતીના પરિચિત અને દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અનવર અલીભાઈ ભેસલીયા છેલ્લા બે-ત્રણ વર્ષથી ખલાસી કામના પૈસા માંગતો હતો. આ સંજોગોમાં સુમારભાઈ તારીખ 13ના રોજ વરવાળા ગામે યોજાયેલા ઉર્ષમાં હાજર રહેવા માટે આવ્યા હતા ત્યારે આરોપી જાવીદ સીદીભાઈ ભેસલીયાની નજર તેમના પર પડી હતી.
જાવીદે તત્કાળ અન્ય આરોપીઓ — અસલમ અનવર ભેસલીયા, આસિફ ગફુરભાઈ ભેસલીયા અને સદ્દામ સીદીભાઈ ભેસલીયાને બોલાવી ફરિયાદીનું બળજબરીથી અપહરણ કરીને એક હોટલ પાસે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં અનવર, ગુલામ અલી અને હાસમ અલી હાજર હતા. આ સ્થળે સુમારભાઈને ધાકધમકી આપી અને અશ્લીલ ગાળો આપી હેરાનગતિ કરવામાં આવી હતી.
આરોપીઓએ તેમને બળજબરીપૂર્વક બાઈકમાં બેસાડી, જો રાડાપાડો કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ હાસમના રહેણાંક મકાને લઈ જઈને ફરિયાદીને બેફામ માર મારવામાં આવ્યો હતો અને મકાનમાં જ બાંધી રાખવામાં આવ્યા હતા.
આ માત્ર એટલું જ નહિ, દિવસે આરોપીઓએ સુમારભાઈના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તેમના બનેવી સાહેદ અલારખા ઉર્ફે બાપુભાઈને વિડીયો કોલ કરીને રૂપિયા બે લાખની ખંડણી માગી હતી. સાથે જ રૂા. ન ચૂકવવામાં આવે તો સુમારભાઈને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.
આ સમગ્ર ચકચારી બનાવની ફરિયાદ મળ્યા બાદ દ્વારકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. તમામ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે અને પીએસઆઈ આર.એલ. ચોપડાની આગેવાની હેઠળ વધુ તપાસ ચાલુ છે.
દ્વારકા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને કાયદેસર કાર્યવાહી આગળ વધારી છે.