દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર શાંતિ અને લોકસુરક્ષાના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસને 29 મે 2025 સુધી કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે સામાન્ય નાગરિકો કે કોઈપણ ખાનગી સંસ્થા દ્વારા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. જોકે, અમુક નિયત સરકારી વિભાગો માટે આ પ્રતિબંધમાંથી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં રીમોટ સેન્સિંગ, ખનિજ વિભાગ (માઈનિંગ), આંતરિક સુરક્ષા અને ડિફેન્સ જેવી સરકારી કામગીરીનો સમાવેશ થાય છે.
આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણય જિલ્લાની અંદર શાંતિપૂર્ણ પરિસ્થિતિ જળવાઈ રહે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બની રહે તેવા હેતુથી લેવામાં આવ્યો છે.
જિલ્લા વાસીઓને આ બાબતે સતર્ક રહેવાની અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસ કે સંબંધિત તંત્રને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.