અરબી સમુદ્રમાં સર્જાતી હવામાનની અસામાન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રાજ્યના માછીમારો માટે સતર્કતા જાહેર કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ છે અને તેના પરથી ચક્રવાત વિકસવાની શક્યતા હોવાથી તંત્ર એલર્ટ પર છે.
દેવભૂમિ દ્વારકા સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, તેમજ દરિયો તોફાની બનવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેથી દરિયામા માછીમારી કરનારા માછીમારોને તાત્કાલિક કામગીરી બંધ કરી દરિયાકાંઠે પરત આવવા સુચવવામાં આવ્યું છે.
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં સંદેશાવ્યવસ્થા મારફતે જાણકારી આપી દેવાઈ છે અને હાલમાં દરિયામાં હાજર તમામ માછીમારોને સલામત સ્થળે પહોંચી જવા વિનંતી કરવામાં આવી છે.
માછીમારોએ હવામાન વિભાગ તેમજ કોસ્ટગાર્ડની સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરવું અનિવાર્ય છે જેથી કોઈપણ જાનહાની અટકી શકે. તોફાની દરિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આઈએમડી (હવામાન વિભાગ) સતત નિરીક્ષણ રાખી રહ્યું છે અને નવી માહિતી નિયમિત આપી રહેશે.
તંત્ર દ્વારા રાહત અને બચાવ માટે તમામ તંત્રો પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.