દેવભૂમિ દ્વારકા: હાલ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, જેને લઈને રાજ્યના સક્ષમ અધિકારીઓ દ્વારા નિયમિત કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. આના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણીઅધિકારી દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિએ પોતાના પાડ રક્ષણ અથવા આત્મ રક્ષણ માટેના હથિયાર સ્થાનિક પોલીસ મથકમાં જમા કરાવવાનું રહેશે.
આ આદેશના અમલ માટે દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. (Special Operation Group) દ્વારા સક્રિય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર એસ.ઓ.જી.ના પી.આઈ. પ્રશાંતસિંહ સીંગરખિયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગોહિલ સહિતની ટીમ પેટ્રોલિંગ કામગીરીમાં હતી ત્યારે તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામના રહીશ મહાવીરસિંહ માનસંગજી જાડેજા પાસેથી તપાસ હાથ ધરવામાં આવી.
તપાસ દરમ્યાન ખુલ્યું હતું કે મહાવીરસિંહ પાસે પાક રક્ષણ માટે પરવાનાવાળું હથિયાર હતું, જેને તેમણે સ્થાનિક પોલીસ મથકમાં જમા નહોતું કરાવ્યું. જેથી પોલીસ ટીમે તેની સામે શસ્ત્ર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી અને સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.ની ટીમમાં હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ અને લખમણભાઈ આંબલીયાસહિતના અધિકારીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો.
ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી
આ કાર્યવાહીનો ઉદ્દેશ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવવો જ નહીં પરંતુ ચૂંટણી સમયે કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃતિઓ અટકાવવી છે. જિલ્લા પોલીસ તંત્રએ જાહેરમાં આ હુકમનું પાલન ન કરનારાઓ સામે કડક પગલાં લેશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનું હથિયાર ધરાવતા હોય તો તેઓ તરત જ નજીકના પોલીસ મથકમાં જમા કરાવે, અન્યથા કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.