દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં થયેલા ઉર્ષના મેળામાં બનેલી એક નાની બોલાચાલીનો મામલો રાત્રે ગંભીર હુમલામાં ફેરવાયો હતો. એક બ્રાહ્મણ યુવાન તેમજ તેના પરિવારજનો પર હુમલો કરી તેમને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. પોલીસે આ કેસમાં પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, વરવાળા ગામે રહેતા 45 વર્ષના રાજેશભાઈ કાયાભાઈ ઓડીચ (બ્રાહ્મણ) પોતાના કુટુંબી ભાઈ ખુશભાઈ તથા અન્ય મિત્રો સાથે 12 મેથી સોમવારે ગામના ઉર્ષના મેળામાં ભાગ લેવા ગયા હતા. રાત્રે અંદાજે 10 વાગ્યે રાઇડમાં બેસવાની બાબતે રાજેશભાઈના કુટુંબી ભાઈ તથા આરોપીઓ ફૈઝલ, અનીલ ગીગલા, ભાવેશ માણેક, કમલેશ માણેક અને જસરાજભા માણેક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.
આ ઘટનાની પાછળથી, જ્યારે તેઓ પરત ફરી દ્વારકા ખાતે પહોંચ્યા ત્યારે રાત્રે આશરે 12 વાગ્યે ફરીથી ફરિયાદી રાજેશભાઈ અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો. આરોપીઓએ એકસંપ કરીને ફરિયાદી અને તેના પુત્ર તેમજ સાહેદોને બિભત્સ ગાળો આપીને ઢીકા-પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરતા ઈજાગ્રસ્તોને ફ્રેક્ચર અને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાંખવાની પણ ખૂન્ની ધમકી આપી હતી. ફરિયાદી રાજેશભાઈ કાયાભાઈ ઓડીચની ફરિયાદના આધારે દ્વારકા પોલીસ મથકે ફૈઝલ સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.