દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર વિસ્તારમાં પાર્કિંગને લઈ એક વિવાદ ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો ગયો અને પરિણામે બે પક્ષો વચ્ચે ગંભીર અથડામણ સર્જાઈ. ઘટનામાં લાકડી અને લોખંડના પાઈપ વડે હુમલા થયા હતા, જેમાં ફરિયાદી સહિત સાહેદોને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, 45 વર્ષીય જુસબભાઈ હાસમભાઈ લુચાણી નામના માછીમાર યુવાનના ભાઈના ઘર પાસે આરોપી સુલેમાન હુસેન લુચાણીે પોતાની ગાડી પાર્ક કરી હતી. તે બાબતે ફરિયાદી પક્ષને આક્ષેપ લાગતા વિવાદ ઊભો થયો હતો. જેના પગલે આમદ કાસમ લુચાણી, મુસા ઈબ્રાહીમ લુચાણી, સુલેમાન હુસેન લુચાણી અને અબ્દુલ ઈબ્રાહીમ લુચાણી નામના ચાર શખ્સોએ જુસબભાઈ તથા ફકીરભાઈને બિભત્સ ગાળીઓ આપીને લાકડી વડે હુમલો કર્યો હતો.
આ હિંસક હુમલામાં ફરિયાદી જુસબભાઈને ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે સાહેદ ફકીરભાઈ અને અન્યને પણ નાની મોટી ઈજાઓ થઈ, જેને પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
દ્વારકા પોલીસે જુસબભાઈ હાસમભાઈ લુચાણીની ફરિયાદના આધારે ચારેય આરોપી સામે ગુનો નોંધ્યો છે. બીજી તરફ, સામા પક્ષે અબ્દુલ ઈબ્રાહીમ લુચાણી ઉર્ફે ઇદલોએ પણ પોલીસમાં જુસબભાઈ, ફકીરભાઈ, કાદર હાસમભાઈ અને આસિફ જુસબ લુચાણી વિરુદ્ધ લાકડી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડવાનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે.
હવે દ્વારકા પોલીસે બંને પક્ષના કુલ 8 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એ.આઈ. ડુમણીયા દ્વારા ચલાવવામાં આવી રહી છે.