દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભેનકવડ ગામે દેશવિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલી ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સ્થાનિક બે મુસ્લિમ શખ્સોએ એક ભરવાડ યુવકને પાકિસ્તાન સામે કંઈ બોલવાનું નહીં કહીને ઘમકી આપી હતી અને બાદમાં તેના જીવ માટેના જોખમની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળેલી વિગતો મુજબ ભેનકવડ ગામના 28 વર્ષના યુવક મુકેશભાઈ રણમલભાઈ ખીંટ રણજીતપરા વિસ્તારમાં આવેલી એક દુકાને reels જોઈ રહ્યા હતા. તત્કાલીન સમયમાં તેમના મોબાઈલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સંબંધિત વિડીયો જોવા મળ્યા હતા. આ દરમિયાન દુકાનમાં હાજર નુરમામદ ઉમર હિંગોરા નામના શખ્સે આ બાબતે ઉશ્કેરાટ દાખવી, પાકિસ્તાન સામે કંઈ બોલવું નહીં તેવી ટકો કરી હતી.
આ ઘટના બાદ બીજા એક શખ્સ હુસેન સુમાર હિંગોરાએ પણ મોબાઈલ ફોન મારફતે ફરિયાદી સાથે ઉશ્કેરણીજનક ભાષામાં વાત કરી, બિભત્સ ગાળો આપીને નુરમામદને સમર્થન આપ્યું હતું. વધુમાં, બંને આરોપીઓએ મુકેશભાઈને રણજીતપરા વિસ્તારની એક પાનના ગાળાએ બોલાવીને, જો તે આગળથી પાકિસ્તાન વિરુદ્ધ કંઈ બોલશે તો તેને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.
આ તમામ વિગતો આધારે ભાણવડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરક્ષા વિભાગના સ્ટાફે તત્કાલ અસરકારક કાર્યવાહી કરી. આરોપીઓની અટકાયત કરીને તેમના મોબાઈલ ફોન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી — બંને શખ્સો પાકિસ્તાનના અનેક લોકો સાથે વોટ્સએપ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન મારફતે સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું.
આ મામલે ભાણવડ પોલીસ દ્વારા IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ ગયો છે અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જે. ખાંટ દ્વારા ગુનાની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી ભાણવડના પી.આઈ. કે.બી. રાજવી, પીએસઆઈ પી.જે. ખાંટ, એન.એસ. વાળા, પી.એમ. ગોરફાડ અને અન્ય સુરક્ષા સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે.
પાકિસ્તાનના સમર્થનમાં વાતો કરવી અને દેશવિરોધી તત્વોને સાથ આપવી કેટલી ભારે પડી શકે છે તેનું આ ઘટના સ્પષ્ટ ઉદાહરણ છે. પોલીસે આ દિશામાં વધુ તફતીશ શરૂ કરી છે અને દેશની સુરક્ષા સાથે કોઈ ખીલવાટ ના આવે એ માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.