અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ધોળા દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની મુખ્ય બજારમાં આવેલી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની બ્રાંચમાં બે અજાણ્યા શખ્સોએ બેંકના કેશ કાઉન્ટરમાં ઘૂસીને રૂ. 1,50,000ની રોકડ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.
આ ચોરી તે સમયે થઈ જ્યારે બેંક ધમધમતી હતી અને અંદર મેનેજર, કર્મચારીઓ, ગ્રાહકો અને સિક્યુરિટી ગાર્ડ સહિત અનેક લોકો હાજર હતા. ચોરોએ પુર્વ આયોજન સાથે પાંચસોની નોટોના ત્રણ બંડલ ઉઠાવ્યા હતા. ચોરીની આ ઘટના બાદ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ખાસ કરીને કેશ કાઉન્ટરની આસપાસ હાજર કર્મચારીઓ ચોરી અટકાવી ન શક્યા એ ઘટના પર અનેક પ્રશ્નો ઊભા કરે છે.
રાજુલાની SBI બેંકમાં ધોળા દિવસે ચોરી: બે અજાણ્યા શખ્સોએ દોઢ લાખની રોકડ ઉઠાવી, બેંક કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી
SBI બેંકના મેનેજર પવિત્રા મોહન જેનાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. તાત્કાલિક પગલા રૂપે પોલીસ દ્વારા બેંકના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે અને કેટલાક શકમંદ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
આ ઘટનાએ બૅંકોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા ઉભી કરી છે. આવી રીતે બે અજાણ્યા શખ્સો ધમધમતી બેંકમાં ઘૂસી કેશ કાઉન્ટર સુધી પહોંચી જાય અને કોઈ રોકટોક કર્યા વિના રોકડ લઈ જાય એ bank management માટે મોટો સવાલ છે.
હાલમાં પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે અને ચોરીમાં સામેલ શખ્સોને ઝડપી લેવા માટે વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે. ઉપરાંત, ઉચ્ચ કક્ષાએથી પણ આ મામલાની તપાસ કરવાની માગ ઉઠી છે.
તથા, આવી ઘટનાઓ સાથે હવે બેંકોમાં સિક્યુરિટી પગલાં વધારે કડક કરવા અને કર્મચારીઓની જવાબદારી નક્કી કરવાની જરૂર જણાઈ રહી છે.