મોરબી જિલ્લાની માળિયા મીયાણા નજીક આવેલ હાઈવે પર એસએમસી (એસપીએસએમ)ની ટીમે એક દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. ટ્રકમાં ભુસાની ગુણીઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળતાં પોલીસ અને ખાનગી ખબરીઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
માળિયા મીયાણા નજીક હાઇવે પર દારૂ ભરેલો ટ્રક ઝડપાયો: એસએમસીની કામગીરીમાં મોટા દરોડાનો ભંડાફોડ
ટ્રકમાંથી કુલ 7,213 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત અંદાજે રૂ. 92.79 લાખ જેટલી થાય છે, કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રક અને ભુસાની ગુણીઓ સહિત કુલ રૂ. 1.15 કરોડનો મુદ્દામાલ એસએમસીની ટીમે જપ્ત કર્યો હતો.
બે શખ્સોની ધરપકડ, દારૂનો સપ્લાય પંજાબથી
આ ટ્રક જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ટ્રક ચાલક ભાવેશ નાથાભાઈ મોરી અને ક્લીનર લીલા ટપુભાઈ મોરી ચલાવી રહ્યા હતા. બંનેને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પુછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે દારૂનો આ જથ્થો પંજાબમાંથી મોકલવામાં આવ્યો હતો.
કુખ્યાત બુટલેગર અર્જુન કોડીયાતરનું નામ ખુલ્યું
આ કેસમાં વધુ તપાસ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણપર ગામના કુખ્યાત બુટલેગર અર્જુન આલા કોડિયાતરનું નામ સામે આવ્યું છે. પોલીસે જણવ્યું કે દારૂનો આ જથ્થો તેણે મંગાવ્યો હતો. સાથે સાથે ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડીયાતર, ટ્રકના માલિક અને પંજાબના સપ્લાયર સહિત કુલ સાત શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસની રીપોર્ટ મુજબની ઘટના વિગત
દારૂના આ દરોડાની ઘટના અંગે મળતી માહિતી મુજબ, એસએમસી વડા નિર્લિપ્ત રાયના સૂચનાથી પીએસઆઇ એસ.વી. ગળચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માળિયા રેલવે ક્રોસિંગ પાસે એક શંકાસ્પદ ટ્રકને અટકાવાયો હતો. ટ્રકની અંદર ભુસાની ગુણીઓ ભરેલી દેખાઈ આવી. પરંતુ સાવધાનીપૂર્વક તપાસ કરતાં ગુણીઓની નીચે દારૂના કાર્ટન છુપાવેલા હોવાની માહિતી મળી આવી.
સમગ્ર કેસમાં કાયદેસર કાર્યવાહી ચાલુ
હાલમાં સમગ્ર કેસને લઈને પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટ્રક સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એસએમસીની આવી કાર્યવાહી ગુજરાતમાં દારૂબંધી કાયદાને વધુ મજબૂત બનાવતી નજરે પડે છે.