કચ્છ: દેશની સુરક્ષા સાથે ગદ્દારી કરતા અને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં કચ્છના સરહદી વિસ્તારથી ઝડપાયેલા સહદેવસિંહ ગોહિલના કેસમાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે. એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા આરોપી સામે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીને દયાપર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
₹40,000ના લાલચમાં દેશદ્રોહ
જ્યાં દેશના જવાનો સરહદે જનજીવનનું રક્ષણ કરે છે, ત્યાં સહદેવસિંહ ગોહિલે માત્ર ₹40,000ના લાલચમાં દેશની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડીને ગંભીર ગુનો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી પાકિસ્તાની એજન્ટ યુવતી અદિતી ભારદ્વાજના સંપર્કમાં હતો. પૂછપરછ દરમિયાન અને મોબાઇલ ડેટાની તપાસમાં ખુલ્યું છે કે તેણે ગુજરાતના અમુક સ્થાનોની, નેવી અને BSF સંબંધિત બાંધકામની તસ્વીરો અને માહિતી દુશ્મન દેશ સુધી મોકલાવી હતી.
વોટ્સએપ દ્વારા થાય તી માહિતીની ચોરી
FSL તપાસમાં જાહેર થયું છે કે સહદેવસિંહ વોટ્સએપના માધ્યમથી અદિતી ભારદ્વાજને માહિતી મોકલતો હતો. સહદેવસિંહ જૂન 2023થી અદિતી સાથે સંપર્કમાં હતો. એટલુ જ નહીં, તેણે પોતાના આધાર કાર્ડ પરથી નવું સિમકાર્ડ લઇ, વોટ્સએપ એકાઉન્ટ બનાવીને તેનો ઉપયોગ પાકિસ્તાની એજન્ટને માહિતી આપવા માટે કર્યો હતો.
હેલ્થ વર્કરની આડમાં જાસૂસ
સહદેવસિંહ દયાપર વિસ્તારમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. પણ હેલ્થ વર્કરના પડછાયામાં તે પાકિસ્તાની એજન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. એવા પુરાવા મળ્યા છે કે તેને એક વ્યક્તિ દ્વારા ₹40,000 ચૂકવવામાં આવ્યા હતા, જે તેના જાસૂસી કાર્ય માટે ચૂકવાઈ હોવાનું મનાય છે.
આગળ વધુ ખુલાસાની શક્યતા
ATS દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછમાં આ જાસૂસી કાંડના વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવવાની શક્યતા છે. દેશની આંતરિક સુરક્ષાને ધોકો ઉભો કરનાર આવી ઘટનાઓને ગંભીરતાથી લઈને કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યાં છે.
જાસૂસીના આ ગંભીર કેસે સુરક્ષા એજન્સીઓને પણ સચેત કર્યા છે કે, દેશના આંતરિક તંત્રમાં આવી ત્રાસવાદી પ્રવૃત્તિઓનો પ્રવેશ કેવી રીતે અટકાવવો એ હવે એક નવી પડકારરૂપ સ્થિતિ બની છે.