અંકલેશ્વર GIDCમાં ફરી એકવાર ડ્રગ્સનો મોટો કાંડ પ્રકાશમાં આવ્યો છે. અહીં આવેલ અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન આ કાળા કારોબારનો પર્દાફાશ થયો.
ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓનો કેન્દ્ર અંકલેશ્વર?
આ અગાઉ પણ અંકલેશ્વરમાંથી અનેક વખત ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. આમ, અંકલેશ્વર GIDC દેશના ડ્રગ્સ કારોબારમાં ગેરકાયદેસર સક્રિય હોવાનો પુરાવો આપે છે. હવે ફરીથી આ શહેરમાંથી મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેની કિંમત કરોડોમાં હોવાનો અનુમાન છે.
દિલ્હી કેસમાં ખુલાસો
1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હી સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી 562 કિલો કોકેઇન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાનો મોટો જથ્થો જપ્ત થયો હતો. આ કેસની વધુ તપાસ દરમિયાન 10 ઓક્ટોબરે, દિલ્હીના રમેશ નગરમાં વધુ 208 કિલો કોકેઈન મળ્યું.
તપાસમાં મહાન ખુલાસો
આમ, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ તમામ નશીલા પદાર્થો “ફાર્મા સોલ્યુશન સર્વિસ” નામની કંપનીના હતા અને આ નશીલા પદાર્થો અંકલેશ્વર GIDC વિસ્તારની “આવકાર ડ્રગ્સ લિમિટેડ”માંથી આવ્યા હતા.
13000 કરોડનું કોકેન કાંડ
આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, જેની કુલ કિંમત આશરે 13000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ પહેલા પણ અંકલેશ્વરની જ “આવકાર ડ્રગ્સ” કંપનીમાંથી 25000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું.
કાયદેસર તપાસ આગળ વધી રહી છે
અંકલેશ્વર GIDCમાંથી ઝડપાયેલ MD ડ્રગ્સનો 250 કરોડ રૂપિયાનું મુદામાલ ઝડપાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. હજુ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે, અને પોલીસ તથા તપાસ એજન્સીઓ દ્વારા આ કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે.
ભરૂચ: દેશનું ગેરકાયદેસર ડ્રગ્સ હબ
ભરૂચ જિલ્લામાં, જેમાં અંકલેશ્વર, પાનોલી, દહેજ, અને સાઈખા જેવા ઉદ્યોગ વિસ્તાર છે, તે ગેરકાયદેસર ડ્રગ્સના ઉત્પાદનમાં ઝડપથી નામી બની રહ્યું છે. એક વર્ષમાં હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાના કેસોમાં વધારો થયો છે.